મંગળવાર, 16 ઑક્ટોબર, 2018

યુથ ઓલિમ્પિક્સમાં ભારત માટે સુવર્ણ દિવસ: જેરેમી, મનુને ઐતિહાસિક ગોલ્ડ મેડલ

 Image result for youth olympic games 2018

- ભારત 2 ગોલ્ડ, 3 સિલ્વર સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને

- મિઝોરમનો 15 વર્ષીય જેરેમી યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ જીતનારો સૌપ્રથમ ભારતીય બન્યો


યુથ સમર ઓલિમ્પિક્સ ૨૦૧૦ના વર્ષથી યોજાઇ રહી છે. જેમાંથી ૨૦૧૦ અને ૨૦૧૪ એમ બંને ઓલિમ્પિક્સમાં ભારતના એથ્લિટ્સ એકપણ ગોલ્ડ મેડલ જીતી શક્યા નહોતા. અલબત્ત, ૨૦૧૮ની યુથ સમર ઓલિમ્પિક્સનો પ્રારંભ થયાને હજુ ત્રણ દિવસ થયા છે ત્યાં તે ભારત માટે યાદગાર પુરવાર થઇ રહી છે.
યુથ સમર ઓલિમ્પિક્સમાં રવિવારે  જેરેમી લાલરિનનુગાએ વેઇટલિફ્ટિંગમાં જ્યારે સોમવારે મનુ ભાકેરે શૂટિંગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આમ, ભારત ૨ ગોલ્ડ-૩ સિલ્વર સાથે મેડલ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગયું છે.
૧૬ વર્ષીય મનુ ભાકેરે એર પિસ્તોલ ઇવેન્ટમાં ૨૩૬.૫ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હરિયાણાની મનુ અગાઉ વર્લ્ડકપ, કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
ભારતના વેઇટલિફ્ટર જેરેમી લાલરિનનુગાએ યુથ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ જેરેમી યુથ ઓલિમ્પિક્સમાં  ગોલ્ડ મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય બની ગયો છે. મિઝોરમના આઇજોલના આ ૧૫ વર્ષીય વેઇટલિફ્ટરે ૬૨ કિગ્રા વજનજૂથમાં ૧૨૪ કિલોગ્રામ અને ૧૫૦ કિલોગ્રામ એમ કુલ ૨૭૪ કિલોગ્રામ ઉંચકીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. અગાઉ જેરેમી વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ભારતને સિલ્વર મેડલ પણ અપાવી ચૂક્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો