બુધવાર, 29 ઑગસ્ટ, 2018

પ્રથમ ભારતીય માનવયુક્ત અંતરિક્ષ યાન મિશનઃ 16 મિનિટમાં સ્પેસમાં પહોંચી જશે

Manned Spacecraft Mission: Will reach space in 16 minutes

અંતરિક્ષમાં મનુષ્યને મોકલવાના પ્રથમ ભારતીય મિશનની સમગ્ર યોજના બહાર આવી ચૂકી છે. આ મિશન ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ અગાઉ ઓગસ્ટ 2022માં લોન્ચ થશે. તેમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. મંગળવારે ઇસરોના વડા કે. સિવને સમગ્ર યોજના મીડિયાને જણાવી હતી. તેમના જણાવ્યા મુજબ ભારત માત્ર 16 મિનિટમાં 3 ભારતીયોને શ્રીહરિકોટા ખાતેથી અંતરિક્ષમાં પહોંચાડી દેશે. એટલે કે આપણા ઘરેથી નજીકના 4 રસ્તા સુધી જઈએ એટલા સમયમાં મનુષ્ય અંતરિક્ષમાં પહોંચી જશે. આ સમગ્ર મિશનમાં 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે. ત્રણ ભારતીય 6થી 7 દિવસ અંતરિક્ષમાં રહેશે. 15 ઓગસ્ટના પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિશન અંગે સૌપ્રથમ માહિતી આપી હતી.




શું છે યોજના

એક ક્રૂ મોડ્યુલ 3 ભારતીયોને લઈ જશે. તેને સર્વિસ મોડ્યુઅલ સાથે જોડવામાં આવશે. બંનેને રોકેટની મદદ વડે શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે. પછી માત્ર 16 મિનિટમાં બર્થ અૉર્બિટમાં પહોંચી જશે. મોડ્યુલમાં હાજર ક્રૂ ઓછામાં ઓછા 6થી 7 દિવસ અંતરિક્ષમાં રહેશે. તે સમયે તેમના ઉપર માઈક્રો ગ્રેવિટી અને અન્ય પ્રયોગ કરાશે.

પહેલા ટેસ્ટ થશે
લોકોને અંતરિક્ષમાં મોકલતા પહેલા માનવ રહિત ટેસ્ટ કરવામાં આવશે. માનવ રહિત ફ્લાઈટ ટેસ્ટ આજથી 30 મહીના પછી અને બીજો ટેસ્ટ 36 મહિના પછી કરવામાં આવશે. ત્યારપછી લગભગ 40 મહિના પછી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

સ્પેસ સૂટ તૈયાર, વિદેશમાં પણ ટ્રેનિંગ થશે
સ્પેસ સૂટ તૈયાર થઈ ચૂક્યો છે. તેમને બેગ્લુરુમાં તાલિમ અપાશે અને જરૂર પડશે તો વિદેશ પણ મોકલાશે. ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા સાથે પણ સમયાંતરે વાતચીત થઈ રહી છે.

આ છે પરત ફરવાની યોજના
ઇસરોના વડાએ કહ્યું કે ઑર્બિટ મોડ્યુલ પરત ફરતા સમયે પોતાની રીતે દિશા બદલશે. ડી-બુસ્ટ પ્રક્રિયામાં ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલ પણ અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલ ભારતીયોને લઈ પૃથ્વી પર આવી રહ્યું હશે ત્યારે તેની બ્રેકિંગ સિસ્ટમ પણ સક્રિય થઈ જશે. તેમના પેરાસૂટ પણ એ દરમિયાન ખુલશે. ક્રૂ મોડ્યુલને અરબી સમુદ્રમાં ગુજરાતના કાંઠે ઉતારવાની યોજના છે પરંતુ ટેકનીકલ ખામી આવશે તો બંગાળના અખાતમાં પણ તેમને ઉતારી શકાવાની શક્યતા છે. લેન્ડીંગના માત્ર 20 મિનિટમાં ત્રણે ભારતીયોને બહાર કાઢી લેવાશે.

34 વર્ષ અગાઉ રશિયન ઉપગ્રહમાં અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય રાકેશ શર્માએ કહ્યું- પોતાની તાકાત પર અંતરિક્ષમાં જવાની વાત જ અલગ છે. ઇસરો રાકેશની સલાહના આધારે ત્રણે ભારતીયોને તાલિમ આપશે. - રાકેશ શર્મા, પ્રથમ ભારતીય અવકાશયાત્રી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો