મંગળવાર, 5 જૂન, 2018

ફિફા વર્લ્ડકપ : પ્રથમવાર VAR ટેક્નોલોજીનો ઉપયોગ


- VAR માટે ફૂટબોલ ગ્રાઉન્ડ ફરતે ૧૪ હાઇસ્પિડ કેમેરા લગાવાશે, આ કેમેરાથી પ્રત્યેક સેકન્ડમાં ૫૦૦ ફ્રેમ

ગોલ થવામાં કે પ્લેયરને યલો-રેડ કાર્ડ આપવામાં શંકા જણાય તો મેચ રેફરી 'વિડીયો આસિસ્ટન્ટ રેફરી'ની મદદ લઇ શકશે
રશિયા ખાતે બરાબર ૧૦ દિવસ બાદ ફૂટબોલના મહાકૂંભ 'ફિફા વર્લ્ડકપ'નો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં ૧૫ જુલાઇ સુધી ૩૨ ટીમ વચ્ચે સર્વોપરિતા માટે મુકાબલો ખેલાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઇસીસી દ્વારા વારંવાર કોઇને કોઇ પરિવર્તન કરવામાં આવતું હોય છે. આઇસીસીની સરખામણીએ ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા 'ફિફા' દ્વારા ફૂટબોલની રમતમાં પરિવર્તન કે અદ્યતન ટેક્નોલોજી ઝડપથી સ્વિકારવામાં આવતી નથી.

પરંતુ હવે ફિફાએ  રમતને વધુ બહેતર બનાવવા માટે અદ્યતન ટેક્નોલોજી અપનાવવાનું શરૃ કરી દીધું છે. જેના ભાગરૃપે આ વખતે ફિફા વર્લ્ડકપમાં 'વિડીયો આસિસ્ટન્ટ રેફરી'નો ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય શબ્દોમાં કહીએ તો કોઇ નિર્ણય શંકાસ્પદ જણાય ત્યારે ક્રિકેટમાં જેમ થર્ડ અમ્પાયરનો અને ટેનિસમાં વિડીયો રેફરલનો ઉપયોગ કરવામાં આવે છે તેમ ફૂટબોલમાં આ 'વિડીયો આસિસ્ટન્ટ રેફરી' છે.

આ ટેક્નોલોજી ગોલ લાઇન ટેક્નોલોજી કરતા અલગ છે. કેમકે, ગોલ લાઇન ટેક્નોલોજીમાં માત્ર ગોલ યોગ્ય રીતે થયો છે કે કેમ તે ચકાસવામાં આવે છે. અલબત્ત વિડીયો આસિસ્ટન્ટ રેફરીનો ઉપયોગ કોઇ પણ ટીમ દ્વારા નહીં થઇ શકે.

આ ટેક્નોલોજી શું છે?

મેચ દરમિયાન રેફરીના કોઇ નિર્ણયથી સંતોષ જણાય નહીં તો ટીમ તેની સામે અપીલ કરી શકે છે. રેફરી વોકીટોકી દ્વારા તેની જાણ ત્રણ સભ્યોની ટીમને કરે છે. આ ત્રણેય સભ્યો વિડીયો રિપ્લે જોયા બાદ પોતાનો નિર્ણય જાહેર કરે છે. આ ત્રણ સભ્યોમાં વિડીયો આસિસ્ટન્ટ રેફરી, તેમના સહાયક અને રિપ્લે ઓપરેટરનો સમાવેશ થાય છે.

આ ટેક્નોલોજી કઇ રીતે કામ કરે છે?
Review and advice by VARs
પિચ (ફૂટબોલનું ગ્રાઉન્ડ)માં કુલ ૧૪ હાઇ સ્પિડ કેમેરા લગાવવામાં આવેલા હશે. જેમાંથી ૭ કેમેરા ગોલપોસ્ટની નજીક હશે. આ કેમેરાથી પ્રત્યેક સેકન્ડમાં ૫૦૦ ફ્રેમ કેદ થઇ શકે છે. જે ફાઇબર ઓપ્ટિક કેબલ દ્વારા ૧૫ કમ્પ્યુટરમાં ટ્રાન્સમિટ થશે.  બોલની સ્થિતિ ૩ડી કેમેરા દ્વારા તુરંત કેદ કરવામાં આવશે. જેના દ્વારા થયેલો ગોલ માન્ય છે કે કેમ તે નક્કી થશે. ફિફા વર્લ્ડકપની યજમાની કરી રહેલા રશિયાના તમામ ૧૨ સ્ટેડિયમમાં તેના માટે ખાસ કન્ટ્રોલ રૃમ બનાવાયો છે. મહત્વની વાત એ છે કે ગોલ લાઇન ટેક્નોલોજી માત્ર રેફરીને સલાહ આપશે. આખરી નિર્ણય લેવાની સત્તા તો રેફરીના હાથમાં જ રહેશે. રેફરીને કોઇ નિર્ણય માટે શંકા જણાય તો તે ટચલાઇન પાસેના મોનિટરમાં ફૂટેજ ચકાસી શકે છે. ખૂબ જ નજીકના અંતરનો ગોલ ચૂકી જવાયો હોય તો સ્ટેડિયમના મોટા સ્ક્રિન અને ટીવી પર તેનો ૩ડી વ્યૂ મળશે. આ રિપ્લે સિસ્ટમ બોલની ૩ડી પોઝિશન પ્રત્યેક ૨ મિલિસેકન્ડમાં બદલે છે.

કયા નિર્ણય માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ થશે?

- ગોલ : બોલ લાઇન ઓળંગે એ દરમિયાન કોઇ નિયમનો ભંગ થતો જણાય.
- પેનલ્ટિસ : ગોલપોસ્ટની અંદર હોય તો કોઇ નિયમનો ભંગ થયો છે કે કેમ તે જાણવા.
- કાર્ડ્સ : કોઇ પ્લેયરને યલો કે રેડ કાર્ડ આપવામાં ભૂલ થઇ છે કે કેમ તે ચકાસવા માટે

એક નિર્ણય માટે ૨.૫ મિનિટ

વિડીયો આસિસ્ટન્ટ રેફરી દ્વારા એક નિર્ણય લેવામાં સરેરાશ ૨.૫ મિનિટ થશે. જેના કારણે સમય વેડફાશે અને ચાહકોના રોમાંચ ઉપ પણ બ્રેક વાગશે. ટોટ્ટનહામ હોટસ્પરના પ્લેયર પોચેટ્ટિનોએ એવી દલિલ કરી છે કે વીએઆર ટેક્નોલોજીથી ફૂટબોલની રમત મરી જશે. પ્લેયરની રીધમ પણ ખોરવાશે. બીજી તરફ ફીફાનું માનવું કે કંઇક જોઇતું હોય તો કંઇક ગુમાવવું પડે છે. ગોલ કે યલો-રેડ કાર્ડને કારણે કોઇ ટીમને અન્યાય થાય નહીં માટે આવી અદ્યતન ટેક્નોલોજી અપનાવવી જરૃરી છે. સમય વેડફાશે પણ નિર્ણયમાં ચોક્કસતા આવશે.

વીએઆર ક્યારે લઇ શકાય?
Decision or action being taken

રેફરી નિર્ણય લીધા બાદ વીએઆર લઇ શકે છે અથવા તો વીએઆર ટીમને કંઇ શંકાસ્પદ લાગે તો તેઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. જેમાં વીએઆર ટીમને લાગે કે રેફરીએ ભૂલ કરી છે તો તેની જાણ રેફરીને કરશે. 

આ પછી રેફરી પાસે ત્રણ વિકલ્પ રહેશે:-

૧.વીએઆરના રીવ્યુ લેવાના પ્રસ્તાવને ફગાવે. 
૨. આ ઘટના જાતે જ મોનિટર પર ચકાસે. 
૩. પોતાના જ નિર્ણયમાં યથાવત્ રહે.

વીએઆરનો અત્યારસુધી ક્યાં ઉપયોગ?

વીએઆરનો સૌપ્રથમ ઉપયોગ ઓગસ્ટ ૨૦૧૬માં મેજર લીગ સોકરમાં કરવામાં આવ્યો હતો. ૨૦૧૬ના કન્ફડરેશન કપ સાથે વીએઆરનો સૌપ્રથમ ઉપયોગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં થયો હતો. ૨૦૧૭માં જર્મની- ઇંગ્લેન્ડની ફ્રેન્ડલી મેચમાં વીએઆરનો ઉપયોગ થયો હતો. જાન્યુઆરી ૨૦૧૮માં બ્રાઇટન અને ક્રિસ્ટલ પેલેસ વચ્ચેની મેચ સાથે સ્પર્ધાત્મક ફૂટબોલમાં વીએઆર ટેક્નોલોજીએ પદાર્પણ કર્યું હતું. વર્તમાન સિરી એ સિઝનમાં વીએઆરથી કેટલીક ભૂલ થઇ હોવાનું સામે આવ્યું હતું.

ખેલાડી ચાલુ મેચે ટીમ ઓફિશિયલ સાથે ચર્ચા કરી શકશે!


ફિફા વર્લ્ડકપ-૨૦૧૮માં આ વખતે અન્ય એક પણ નવી ટેક્નોલોજી જોવા મળશે. જેમાં ભાગ લઇ રહેલી તમામ ૩૨ ટીમ બે ટેબ્લેટનો ઉપયોગ કરી શકશે. જેમાંથી એક ટેબ્લેટ નક્કી કરેલા એનાલિસ્ટ અને એક મેદાનમાં રમી રહેલા પ્લેયર પાસે રહેશે. આ ટેબ્લેટથી તે પ્લેયરની ફિટનેસ, રિયલ ટાઇમ પોઝિશ્નલ ડેટા, વિડીયો ફૂટેજ મેળવી શકાશે. એનાલિસ્ટ ચાલુ મેચે પ્લેયર સાથે મેચ અંગે ચર્ચા કરી શકશે. આ તમામ વાતચીત રેકોર્ડ થશે. હાફ ટાઇમ અને મેચ પૂરી થયા બાદ ટેબ્લેટ મેચ ઓફિશિયલ્સને આપવાની રહેશે. જેનું વિશ્લેષણ પણ કરવામાં આવશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો