મંગળવાર, 10 એપ્રિલ, 2018


ભારતનો દબદબો : બેડમિન્ટન, ટેબલ ટેનિસ, શૂટિંગમાં ગોલ્ડ
Image result for Lofty,Indian:,Badminton,,Table,Tennis,,Shooting,Gold,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સના પાંચમાં  દિવસે પણ ભારતીય એથ્લિટ્સની 'ગોલ્ડન' કૂચ જારી રહી છે. સોમવારે ભારત શૂટિંગ, બેડમિન્ટનની મિક્સ ટીમ ઇવેન્ટ અને ટેબલ ટેનિસની મેન્સ ટીમ ઇવેન્ટમાં એમ કુલ ૩ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. ભારતે છઠ્ઠા દિવસે શૂટિંગમાં એક સિલ્વર, બે બ્રોન્ઝ અને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર પણ જીત્યા હતા. ભારત રવિવારે પણ ત્રણ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. આ સાથે જ કુલ ૧૦ ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેબલમાં ટોપ-થ્રીમાં સ્થાન હાંસલ કરી લીધું છે.

શૂટિંગ : જીતુ રાયે ગોલ્ડ પર નિશાન સાધ્યું

મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીતુ રાયે ગોલ્ડ જ્યારે ઓમ મિથારવલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જીતુ રાયે ૨૦૧૪ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ૫૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પાંચમાં સ્થાને આવનારા જીતુ રાયે ફાઇનલમાં ૨૩૫.૧નો જ્યારે મિથારવલે ૨૧૪.૩ના સ્કોર સાથે બ્રોન્ઝ અને ઓસ્ટ્રેલિયાના કેરી બેલે ૨૩૩.૫ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન કોમનવેલ્થ ગેમ્સમાં શૂટિંગમાંથી જ ભારત પાંચ મેડલ જીતી ચૂક્યું છે.નેપાળમાં જન્મેલો જીતુ રાય એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ અને બે વખતનો આઇએસએસએફ વર્લ્ડકપ મેડાલિસ્ટ છે.  

શૂટિંગ : મેહુલીને સિલ્વર, અપૂર્વીને બ્રોન્ઝ

૧૦ મીટર એર રાયફલ પિસ્તોલ ઇવેન્ટમાં ભારતને મેહુલી ઘોષ, અપૂર્વી ચંદેલા પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા હતી. પરંતુ મેહુલીને સિલ્વર, અપૂર્વીને બ્રોન્ઝથી સંતોષ માનવો પડયો હતો.

બંગાળની ૧૭ વર્ષીય  મેહુલી અને સિંગાપુરની વેલોસો વચ્ચે ગોલ્ડ મેડલના ફેંસલા માટે શૂટઆઉટની મદદ લેવી પડી હતી. જેમાં વેલોસોએ ૧૦.૩ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ નિશ્ચિત કર્યો હતો. મેહુલીએ કુલ ૨૪૭.૨નો સ્કોર કર્યો હતો. બીજી તરફ ગત કોમનવેલ્થ ગેમ્સમાં આ જ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ અપાવનારી અપૂર્વીને ૨૨૫.૩ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.

કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતે પ્રથમવાર બેડમિન્ટન ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો.

મલેશિયાને ૩-૧થી હરાવીને ભારતે બેડમિન્ટન મિક્સ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતની ટીમમાં સાયના નહેવાલ, કિદામ્બી શ્રીકાંત, અશ્વિની પોનપ્પા અને સાત્વિક રાનકીરેડ્ડીનો સમાવેશ થતો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતે બેડમિન્ટનની મિક્સ ટીમ ઇવેન્ટમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલની પ્રથમ મેચમાં મિક્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા-રાનકીરેડ્ડીની જોડીએ પેંગ સૂન ચાન-લીઉ યિંગ ગોને ૨૧-૧૪, ૧૫-૨૧, ૨૧-૧૫થી પરાજય આપ્યો હતો.

આ પછી વિશ્વમાં બીજા ક્રમાંકિત શ્રીકાંત અને ત્રણ વખતના ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ લી ચોંગ વી વચ્ચે રસપ્રદ મુકાબલો ખેલાયો હતો.જેમાં શ્રીકાંતે ૨૧-૧૭, ૨૧-૧૪થી કારકિર્દીમાં પ્રથમવાર લી ચોંગ સામે વિજય મેળવ્યો હતો. આમ, ભારતે ૨-૦ની સરસાઇ મેળવી લીધી હતી. જોકે, મેન્સ ડબલ્સમાં રાનકીરેડ્ડી-ચિરાગ શેટ્ટીનો પરાજય થતાં ભારતે અજેય સરસાઇ મેળવવાની તક ગુમાવી હતી.  ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ સાયના નહેવાલે સોનિયા ચીને ૨૧-૧૧, ૧૯-૨૧, ૨૧-૯થી હરાવીને ભારતને અજેય સરસાઇ સાથે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારતે શ્રીલંકા, પાકિસ્તાન, સ્કોટલેન્ડ, મોરેશિયસ, સિંગાપુરને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

હોકી :ભારતની મેન્સ, વિમેન્સ ટીમને આજે સેમિ.માં પ્રવેશવા તક

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮ની વિમેન્સ હોકીની અંતિમ લીગ મેચમાં ભારતનો મુકાબલો મંગળવારે દક્ષિણ આફ્રિકા સામે થશે. ગૂ્રપ ''માં ભારતના હાલ ૩ મેચમાં બે વિજય-એક પરાજય સાથે ૬ પોઇન્ટ છે અને તે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આમ, આવતીકાલે ભારતનો મુકાબલો ડ્રો રહે તો પણ તે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લેશે. મેન્સ હોકીમાં ભારત મલેશિયા સામે ટકરાશે. આ મુકાબલામાં વિજય ભારતને સેમિફાઇનલની ટિકીટ અપાવશે.

વેઇટલિફ્ટિંગ : પ્રદીપ સિલ્વર મેડલ સાથે ઝળક્યો.

મેન્સ વેઇટલિફ્ટિંગના ૧૦૫ કિગ્રા વજનજૂથમાં ૨૨ વર્ષીય પ્રદીપસિંહે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. પ્રદીપસિંહે કુલ ૩૫૨ કિગ્રા (૧૫૨ કિગ્રા સ્નેચમાં, ૨૦૦ કિગ્રા ક્લિન જર્કમાં) વજન ઉંચક્યું હતું. સમોઆના સેનેલે માઓએ ૩૬૦ કિગ્રા (૧૫૪ અને ૨૦૬) સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. કોમનવેલ્થ યુથ, જુનિયર એન્ડ સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને પ્રદીપે કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇ કર્યું હતું. તેણે આજે સિલ્વર મેડલ સાથે નેશનલ પણ પોતાને નામે કર્યો હતો.

ટેબલ ટેનિસ : મેન્સ ટીમને પણ ગોલ્ડ

ટેબલ ટેનિસમાં  વિમેન્સ ટીમ બાદ મેન્સ ટીમે પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટીમ ઇવેન્ટની ફાઇનલમાં ભારતે નાઇજીરિયા સામે ૩-૦થી વિજય મેળવ્યો હતો. અચંતા શરત કમલે બોડે એબીઓડુનને ૪-૧૧, ૧૧-૫, ૧૧-૪, ૧૧-૯થી જ્યારે સથિયન જ્ઞાાનશેખરને સિગુન તોરિઓલાને ૧૦-૧૨, ૧૧-૩, ૧૧-૪થી હરાવીને ભારતને ૨-૦ની લીડ અપાવી હતી. આ પછી મેન્સ ડબલ્સમાં સુરતના હરમીત દેસાઇ-સથિયને એબિઓદિન-ઓમાટાયો સામે ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩થી વિજય મેળવીને ભારતને ૩-૦ની અજેય સરસાઇ સાથે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
ભારતની મેન્સ ટીમે ટેબલ ટેનિસની મિક્સ ઇવેન્ટમાં પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો છે.


મેડલ ટેબલ

રેન્ક
દેશ
ગોલ્ડ
સિલ્વર
બ્રોન્ઝ

કુલ

૧.
ઓસ્ટ્રેલિયા
૩૯
૩૩
૩૪
૧૦૬
૨.
ઇંગ્લેન્ડ
૨૨
૨૫
૧૬
૬૩
૩.
ભારત
૧૦
૦૪
૦૫
૧૯
૪.
ન્યૂઝીલેન્ડ
૦૮
૦૯
૦૬
૨૩
૫.
દક્ષિણ આફ્રિકા
૦૮
૦૫
૦૫
૧૮
૬.
કેનેડા
૦૭
૧૭
૧૩
૩૭
૭.
સ્કોટલેન્ડ
૦૬
૦૮
૧૧
૨૫
૮.
વેલ્સ
૦૬
૦૬
૦૪
૧૬
૯.
સાયપ્રસ
૦૪
૦૦
૦૨
૦૬
૧૦.
સમોઆ
૦૨
૦૨
૦૦
૦૪



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો