સોમવાર, 27 નવેમ્બર, 2017

ભારતમાં ઇવીએમની શરુઆત ૧૯૮૨માં કેરલના પેરાવુરમાં થઇ હતી

- આ વિધાનસભામાં ૫૦ મત કેન્દ્રોમાં ઇવીએમનો ઉપયોગ થયો હતો

ભારતમાં ઇવીએમથી મત આપવાની સૌ પ્રથમ શરુઆત ૧૯૮૨માં કેરલની પરાવુર બેઠક પર થઇ હતી.આ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણી દરમિયાન ૫૦ મતદાન કેન્દ્રોમાં ઇવીએમ દાખલ કરવામાં આવ્યા હતા. આ કોચ્ચીના વિસ્તારને પરુર તરીકે પણ ઓળખવામાં આવે છે.એ સમયે મતપેટીઓ બેલેટ પેપરથી છલકાતી ત્યારે ઇવીએમ અંગે લોકોને કશીજ જાણકારી ન હતી.આથી ઇવીએમ માટે પસંદ કરાયેલા મતક્ષેત્રોમાં લોકોને જાગૃત કરીને સમજાવવામાં આવ્યા હતા.

જો કે ૩૫ વર્ષ પહેલા ભારતમાં ઇવીએમનું આગમન થયું પરંતુ ત્યાર પછી ઇવીએમનો અમલ કરવો એટલો સહેલો ન હતો.સર્વોચ્ચ અદાલતે ઇવીએમના ઉપયોગને બંધારણીય રીતે કાયદાનું સ્વરુપ આપવાનો આદેશ કર્યો હતો.આ માટે ડિસેમ્બર ૧૯૮૮માં ભારતની સંસદે કાનુનમાં સંશોધન કરી જન પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧માં નવી કલમ ૬૧ જોડીને ચૂંટણી પંચને અધિકાર આપ્યો હતો.તેનો સંશોધિત પ્રસ્તાવ ૧૫ માર્ચ ૧૯૮૯માં અમલી બન્યો હતો.

ત્યાર બાદ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી.જેમાં પ્રો એસ સંપત, આઇઆઇટીના પ્રો પી વી ઇન્દિરેશન, ડો સી રાવ કસરવાડા અને નિર્દશક ઇલેકટ્રોનિક અનુસંધાન તથા વિકાસ કેન્દ્ર તિરુઅનંતપુરમનો સમાવેશ થતો હતો. આ સમિતિએ ઇવીએમ કોઇ પણ પ્રકારની છેડછાડથી મુકત હોવાનું જણાવ્યું હતું.૨૪ માર્ચ ૧૯૯૨માં કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ચૂંટણી કરાવવા સંબંધી કાયદા ૧૯૬૧માં જરુરી સંશોધનની અધિસૂચના જાહેર કરી હતી.

એક ઇવીએમમાં ૩૮૪૦ મત આપી શકાય છે  


નવેમ્બર ૧૯૯૮ પછી સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. ભારતમાં ૨૦૦૪ના જનરલ ઇલેકશન તમામ મતદાન ઇવીએમથી થયું હતું. ત્યારથી વિવિધ સ્તરની ચૂંટણીઓમાં ઇવીએમ મશીનનો સતત ઉપયોગ થાય છે. ઇવીએમ મશીનમાં ઉમેદવારોની સંખ્યા ૬૪ જેટલી હોય ત્યાં સુધી  ઉપયોગ થઇ શકે છે. એક ઇવીએમ મશીનમાં ૩૮૪૦ મત આપી શકાય છે. એક પોલિંગ સ્ટેશનમાં ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા મત હોય છે તે જોતા આટલી સંખ્યા પુરતી છે.ઇવીએમથી સરેરાશ એક વિધાનસભા બેઠક પર અડધો ટન કાગળની બચત થાય છે.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો