શુક્રવાર, 10 નવેમ્બર, 2017

મેરી કોમે એશિયન બોક્સિંગમાં પાંચમી વખત ગોલ્ડ મેડલ જીત્યો



એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પાંચમો ગોલ્ડ અને છઠ્ઠો મેડલ જીત્યા બાદ ભારતની લેજન્ડરી બોક્સર એમસી મેરી કોમે કહ્યું કે, મારા દરેક મેડલમાં મારા સંઘર્ષની ગાથા છુપાયેલી છે. ખાસ કરીને બોક્સિંગ રિંગની બહાર મારી જવાબદારી વધી ગઈ છે અને હું વધારે વ્યસ્ત બની ગઈ છું, તેમ છતાં હું એશિયન ચેમ્પિયન બની શકી તેનાથી ખુશ છું. મેરી કોમ હવે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાનારી કોમનવેલ્થ બોક્સિંગ ચેમ્પિયનશીપમા ભાગ લેશે. એશિયન બોક્સિંગમાં પાંચમા ગોલ્ડ બાદ મેરી કોમે કહ્યું કે,અન્ય તમામ મેડલની જેમ આ મેડલ પણ મારા માટે ખાસ મહત્વ ધરાવે છે. અનોખા પ્રકારના સંઘર્ષની સાથે પ્રેક્ટિસ કરીને મેં આ મેડલ જીત્યો છે. આ મેડલ હું સાંસદ બની તે પછી જીત્યો છે, તેના કારણે ખાસ છે. આ કારણે મારી પ્રતિષ્ઠા વધશે અને મારુ સ્ટેટસ વધુ વિકાસ પામશે.

સોનિયાને સિલ્વર : ભારતના કુલ સાત મેડલ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા હતા. ભારતીય બોક્સિંગ ટીમમાં એકમાત્ર મેરી કોમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભારતની સોનિયા લાથેરને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી સોનિયાને ૫૭ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં ચીનની યીન જુન્હુઆ સામે સ્પ્લીટ વર્ડિક્ટમાં હારનો સામનો કરવો કરવો પડયો હતો. આમ છતાં તે એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની એકમાત્ર મહિલા બોક્સર બની હતી. ભારત તરફથી એલ. સરિતા દેવીએ ૬૪ કિગ્રા વજન વર્ગમાંપ્રિયંકા ચૌધરીએ ૬૦ કિગ્રા વજન વર્ગમાં, લોવલીના બોર્ગોહાઈને ૬૯ કિગ્રા વજન વર્ગમાં, સીમા પુનિયાએ ૮૧થી વધુ કિગ્રા વજન વર્ગમાં અને શિક્ષાએ ૫૪ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.


મેરી કોમે એશિયન બોક્સિંગમાં ૧૪ વર્ષ પહેલા ગોલ્ડ જીત્યો હતો આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં જિવંત દંતકથા સમાન ભારતીય બોક્સર મેરી કોમે એશિયન બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ૩૪ વર્ષની મેરી કોમે એશિયન બોક્સિંગમાં તેનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ ૧૪ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૩માં જીત્યો હતો. તે સમયે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં હિસ્સારમાં યોજાઈ હતી. આ પછી તે ૨૦૦૫માં તાઈવાનના કાઓસીઉંગમાં પણ ગોલ્ડ મેડલ જીતી હતી. જોકે ૨૦૦૮માં ગુવાહાટીમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. તેણે ૨૦૧૦માં કઝાખસ્તાનના અસ્થાનામાં અને ૨૦૧૨માં મોંગોલિયાના ઉલાન્ટબારમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો