શુક્રવાર, 15 ફેબ્રુઆરી, 2019


ગૂગલે ડૂડલ દ્વારા ઉજવ્યો અભિનેત્રી મધુબાલાનો ૮૬મો જન્મ દિવસ

 

સુપ્રસિદ્ધ અભિનેત્રી મધુબાલાના ૮૬મા જન્મ દિવસની સર્ચ એન્જિન ગૂગલે ડૂડલ દ્વારા ઉજવણી કરી હતી. બેંગલોરના આર્ટિસ્ટ મુહમ્મદ સાજિદે આ ડૂડલ ક્રિએટ કર્યુ હતું. 
મધુબાલાનું સાચુ નામ મુમતાઝ જહાન બેગમ દેહલવી હતું અને તેમનો જન્મ ૧૯૩૩માં દિલ્હી ખાતે થયો હતો. 
બોમ્બે ટોકીઝ ફિલ્મ સ્ટુડિયો પાસેની એક વસતીમાં તેમનો ઉછેર થયો હતો અને માત્ર ૯ વર્ષની ઉંમરે તેમણે બેબી મુમતાઝ તરીકે ફિલ્મમાં કામ કર્યુ હતું. ૧૯૪૭માં માત્ર ૧૪ વર્ષની ઉંમરે તેમણે નીલ કમલ નામની ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો અને પોતાનું નામ બદલીને મધુબાલા કરી દીધુ હતું.
પોતાના માતા-પિતા અને ૪ બહેનોને આર્થિક રીતે મદદરુપ થવા તેઓ એક પછી એક પ્રોજેક્ટ પર કામ કરતા રહ્યા. ૧૯૪૯માં તેમણે ૯ ફિલ્મો કરી જે પૈકીની મહલ ફિલ્મમાં તેમના અભિનયના ખૂબ વખાણ થયા હતા અને બોક્સ ઓફિસ પર તે ફિલ્મ છવાઈ ગઈ હતી. કોમેડી, ડ્રામા અને 
રોમેન્ટિક ફિલ્મોમાં તેમની અદાકારીના જાદુને કારણે તેઓ હિંદી ફિલ્મોના મેરલિન મનરો તરીકે ખ્યાતિ પામ્યા. તેમણે હાફ ટિકિટ, મુઘલ-એ-આઝમ, ચલતી કા નામ ગાડી, મિ. એન્ડ મિસિઝ ૫૫, હાવરા બ્રિજ અને બરસાત કી રાત સહિત ૭૦ જેટલી ફિલ્મોમાં કામ કરેલું.
૧૯૫૨માં થિએટર આર્ટ્સ મેગેઝિને તેમને વિશ્વની સૌથી મોટી અદાકારાનું બિરુદ આપ્યુ હતું. પોતાના૩૬મા જન્મ દિવસની ઉજવણી બાદ ૨૩ ફેબુ્રઆરી, ૧૯૬૯ના રોજ તેમનું નિધન થયુ હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો