બુધવાર, 20 ફેબ્રુઆરી, 2019

સાઉદી પ્રિન્સ ભારત પ્રવાસે


 Image result for saudi-prince-india-liquid

સાઉદી અરેબિયાનાં ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાન બે દિવસની ભારત મુલાકાતે આવી પહોંચ્યા છે. બુધવારે મોડી રાત્રે તેઓ ભારત આવી પહોંચ્યા હતા. વડા પ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને તેમને આવકારવા માટે એરપોર્ટ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી તેમની સમક્ષ પાક. પ્રેરિત ત્રાસવાદનો મુદ્દો ઉઠાવે તેવી સંભાવના છે. સાઉદી પ્રિન્સ બે દિવસની પાક. મુલાકાત પછી સીધા ભારત આવવાનાં હતા પણ ભારતે પાકિસ્તાનથી સીધા ભારત આવવાના તેમના નિર્ણયનો વિરોધ કર્યા પછી તેઓ સોમવારે રિયાધ પાછા ફર્યા હતા. હવે તેઓ રિયાધથી ભારત આવી ગયા છે. ભારત અને સાઉદી અરેબિયા બંને વર્ષોથી વ્યૂહાત્મક ભાગીદાર છે. સાઉદી અરેબિયા માટે વેપાર અને સુરક્ષાની દૃષ્ટિએ ભારત મહત્ત્વનું છે.

સાઉદી પ્રિન્સની મુલાકાત વખતે બંને દેશો વચ્ચે પાંચ ક્ષેત્રોમાં સહયોગ સાધવા કરાર કરવામાં આવે તેવો તખતો ઘડાયો છે. નાણાકીય બાબતોના સચિવ ટી. એસ. ત્રિમૂર્તિનાં જણાવ્યા મુજબ દ્વિપક્ષીય મૂડીરોકાણ, પર્યટન, હાઉસિંગ, માહિતી અને પ્રસારણ જેવા સેક્ટરમાં દ્વિપક્ષીય સહયોગ વધારવામાં આવશે. ખાતર, ફૂડ સિક્યોરિટી, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પુનઃ પ્રાપ્ય ઊર્જા,નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન ક્ષેત્રે બંને દેશો સહયોગ વધારી શકે છે. મોદી બુધવારે પ્રિન્સનાં સન્માનમાં ભોજન સમારંભ યોજવાના છે. સાઉદી પ્રિન્સ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત પણ લેશે.

સાઉદી અરેબિયા માટે ભારત સ્ટ્રેટેજિક પાર્ટનર
ત્રિમૂર્તિએ કહ્યું કે, સાઉદી અરેબિયાએ પુલવામા હુમલાની આકરી ટીકા કરી હતી. સાઉદી પ્રિન્સ ભારત અને પાક. વચ્ચે તંગદિલી ઘટાડવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. સુરક્ષા અને આતંકવાદ સામે લડવા સાઉદી આપેલા સહયોગની ભારત પ્રશંસા કરે છે. સાઉદી અરેબિયા દ્વારા આઠ દેશો પૈકી ભારત તેના સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે ઊભરી રહ્યું છે. ભારત સાથે રાજકીય ઉપરાંત સુરક્ષા, વેપાર, રોકાણ, સંસ્કૃતિ જેવા મુદ્દે ગાઢ સહયોગ સાધવા તે ઉત્સુક છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો