શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2018

વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતને વધુ બે ગોલ્ડ મેડલ


- ઉદયવીર સિંઘે ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

- ભારતને ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ : વિજયવીર સંધુ અને રાજકંવર સંધુનો પણ વિજયી દેખાવ


વર્લ્ડ જુનિયર શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટરોએ શાનદાર દેખાવ કરતાં વધુ બે ગોલ્ડ મેડલ જીતી લીધા હતા. આજે યોજાયેલી મેન્સ ૨૫ મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતના ઉદયવીર સિંઘે શાનદાર દેખાવ કરતાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
ઉદયના શાનદાર દેખાવ તેમજ તેની સાથે વિજયવીર સંધુ અને રાજકંવર સિંઘ સંધુની અસરકારક નિશાનેબાજીને સહારે ભારતને ટીમ ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો હતો.  જોકે સિનિયર લેવલના શૂટરોનો નિરાશાજનક દેખાવ જારી રહ્યો હતો અને તેઓ આજની ઈવેન્ટમાં એક પણ મેડલ જીતી શક્યા નહતા.
૧૬ વર્ષના ઉદયવીર સિંઘે વ્યક્તિગત સ્પર્ધામાં ૫૮૭નો સ્કોર કરતાં ગોલ્ડન સફળતા હાંસલ કરી હત. ઉદયવીરે પ્રીસિઝનમાં ૨૯૧નો સ્કોર કર્યો હતો. જ્યારે તેણે રેપિડ ઈવેન્ટમાં ૨૯૬ પોઈન્ટ્સ નોંધાવ્યા હતા.
આ સાથે ભારતીય શૂટરે ત્રણ પોઈન્ટના અંતરથી અમેરિકાના હેનરી લેવેરેટ્ટને હરાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. જ્યારે સાઉથ કોરિયાના લી જેકયૂનને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. લી જેકયૂને ૫૮૨ પોઈન્ટ્સ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 
ઉદયવીર ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સ્પર્ધામાં ઉતરેલો ભારતનો બીજો શૂટર વિજયવીર ૫૮૧ના સ્કોર સાથે ચોથા ક્રમે રહ્યો હતો. તે એકમાત્ર પોઈન્ટથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો હતો. જ્યારેભારતનો રાજકંવર સિંઘ સંધુ ૫૬૮ના સ્કોર સાથે ૨૦મા ક્રમે રહ્યો હતો.
 
આમ છતાં ભારતના ત્રણેય ખેલાડીઓના સ્કોરને ભેગા કરતાં તેઓ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. ભારતીય ટીમનો સ્કોર ૧૭૩૬ થયો હતો. જ્યારે બીજા ક્રમેચીન ૧૭૩૦ના સ્કોર સાથે રહ્યું હતુ. ટીમ કોરિયાને ૧૭૨૧ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

સિનિયરોનો નિરાશાજનક દેખાવ જારી
વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સિનિયરોનો નિરાશાજનક દેખાવ જારી રહ્યો હતો. સીરાઝ શેખ મેન્સ સ્કીટ ક્વોલિફિકેશનના અંતે આઠમા ક્રમે રહ્યો હતો. જ્યારે ભારતનો અંગદ વીર સિંઘ ૪૭ના સ્કોર સથે ૬૯માં ક્રમે અને મૈરાજ અહમદ ૪૧ના સ્કોર સાથે ૭૯મા સ્થાને રહ્યા હતા. ભારતીય ટીમ ઓવરઓલ ૧૬માં ક્રમે રહી હતી. ભારતના ત્રણેય શૂટરનો કુલ સ્કોર ૧૩૭ થયો હતો. ભારતને ૨૫ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ મળ્યો નહતો. ભારતનો ગુરપ્રીત સિંઘ ૫૮૧ના સ્કોર સાથે ૧૦માં ક્રમે રહ્યો હતો. જ્યારે લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારો ભારતીય શૂટર વિજય કુમાર ૫૭૬ના સ્કોર સાથે છેક ૨૪માં સ્થાને રહ્યો હતો. તેના પછી કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડમેડાલીસ્ટ અંશ ભાનવાલા રહ્યો હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો