મંગળવાર, 10 જુલાઈ, 2018

મોદી અને દ.કોરિયાના પ્રમુખના હસ્તે નોઇડામાં વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્ઘાટન


- દ. કોરિયાના પ્રમુખ મૂન જે-ઇન ભારતની ચાર દિવસીય મુલાકાતે

- દ. કોરિયન કંપની સેમસંગ દ્વારા ઉત્તર પ્રદેશના મોબાઈલ પ્લાન્ટનું રૂ. 4915 કરોડના ખર્ચે વિસ્તરણ.

- સેમસંગ ભારતમાંથી જ 30 ટકા મોબાઈલની નિકાસ કરશે, મોદીએ કહ્યું '35એકરમાં ફેલાયેલું સેમસંગ યુનિટ ભારત માટે ગૌરવની વાત'

- મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં વિવિધ સ્થળે મોબાઇલ ફેક્ટરીઓ ઊભી કરીને આડકતરી રીતે ચાર લાખ લોકોને રોજગારી આપવાનો દાવો

- સેમસંગ પ્લાન્ટની શરૃઆત પછી ભારત વિશ્વનું બીજા નંબરનું મોબાઇલ ઉત્પાદક બનશે, નવી ફેક્ટરીના કારણે રેફ્રિજરેટર અને ટેલિવિઝનનું ઉત્પાદન બમણું થઇ જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઇનએ નોઇડાના સેક્ટર ૮૧માં વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યુ હતું. સેમસંગ કંપની નોઇડામાં પોતાના મેન્યુફેકચરિંગ યુનિટનો વિસ્તાર કરી રહી છે. આ માટે કંપનીએ ૪૯૧૫ કરોડ રૃપિયાનું રોકાણ કર્યુ છે.

ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ નવું યુનિટ ભારતની સાથે ઉત્તર પ્રદેશ અને નોઇડા માટે પણ ગૌરવની વાત છે. આ પ્લાન્ટમાંથી દર વર્ષે ૧૨ કરોડ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવામાં આવશે. એટલે કે દર મહિને એક કરોડ સ્માર્ટ ફોન બનાવવામાં આવશે. આ પ્લાન્ટ ૩૫ એકરમાં ફેલાયેલું છે. આ નવા પ્લાન્ટથી વધુ એક હજાર લોકોને નોકરી મળશે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં મધ્યમ વર્ગનો ભાગ્યે જ કોઇ એવો પરિવાર હશે જેમાં કોરિયન કંપનીઓની વસ્તુઓ નહીં હોય. ભારતમાં હાલમાં મોબાઇલનું નિર્માણ કરતી ૧૨૦ ફેક્ટરીઓ છે. જે ૨૦૧૪માં માત્ર બે હતી. આ ૧૨૦ ફેક્ટરીઓમાંથી ૫૦ તો ફક્ત નોઇડામાં જ છે. નવા પ્લાન્ટમાં બનનારા કુલ મોબાઇલ પૈકી ૩૦ ટકા મોબાઇલની નિકાસ કરવામાં આવશે.

મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં વિવિધ સ્થળે મોબાઇલ ફેક્ટરીઓના નિર્માણથી કુલ ચાર લાખ લોકોને રોજગારી મળશે .ભારત વિશ્વનું બીજા નંબરનું મોબાઇલ ઉત્પાદક બની જશે નવી ફેટકરીના ઉદ્ઘાટનને કારણે રેફ્રિજરેટર અને ટેલિવિઝનનું ઉત્પાદન બમણું થઇ જશે. નોઇડા ઉપરાંત તમિલનાડુમાં પણ સેમસંગનું મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે.

સેમસંગ ૨૦૦૭થી ભારતમાં મોબાઇલનું નિર્માણ કરી રહ્યું છે. સેમસંગ ઇન્ડિયાના ચીફ એક્ઝિકયૂટીવ ઓફિસર(સીઇઓ) એચસી હોંગે જણાવ્યું હતું કે નોઇડાની અમારી ફેક્ટરી વિશ્વની સૌથી મોટી ફેક્ટરી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો