બુધવાર, 13 જૂન, 2018


ભરૃચ જિલ્લાના હાંસોટમાં પહેલી વખત જળબિલાડી જોવા મળી



Related image
-મીઠા પાણીમાં રહેતી જળબિલાડીની જાણકારી મેળવવા સૌ પ્રથમ સર્વે

-૨૦૧૬માં પૂર્ણા નદીમાં જળબિલાડીના પરિવારે દેખા દીધી

મીઠા પાણીમાં રહેતી અને  ભયજનક પ્રજાતિઓના લિસ્ટમાં મુકાયેલી જળબિલાડી(જેનુ વૈજ્ઞાનિક નામ સ્મૂથ ઈન્ડિયન ઓટર છે)ની વસાહતોની જાણકારી મેળવવા માટે સમગ્ર ગુજરાતમાં પહેલી વખત સર્વે હાથ ધરાયો છે.આ સર્વેના ભાગરૃપે સંશોધકોને પહેલી વખત ભરૃચના હાંસોટ જિલ્લામાં જળબિલાડી જોવા મળી છે.

વડોદરાની સંસ્થા ગુજરાત ઈકોલોજી સોસાયટીએ નદીઓ તેમજ વેટલેન્ડસ અને તળાવોમાં રહેવા ટેવાયેલી જળબિલાડીની જાણકારી મેળવવા માટે ૨૦૧૬થી આ સર્વે શરૃ કર્યો છે.આ સર્વેના પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તેમજ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના ઓટર સ્પેશ્યિલાલિસ્ટ અક્ષિત સુથારનુ કહેવુ છે કે ગુજરાતમાં ૧૯૭૯થી ૯૯ સુધી જે પણ ડેટા ઉપલબ્ધ હતો તે પ્રમાણે ૯ સ્થળોએ જળબિલાડીએ દેખા દીધી હોવાનો ઉલ્લેખ છે.એ પછી ૨૦૦૫માં સાવલી તાલુકામાં મહિસાગરના એક કાંઠા પર જળબિલાડીના પગલા જોવા મળ્યા હતા.

જોકે અમે પહેલી વખત  ગુજરાતમાં તેની વસાહતોથી માંડીને સંખ્યા જાણવા ૨૦૧૬થી સર્વે શરૃ કર્યો છે.૨૦૧૬માં જળબિલાડીનો એક પરિવાર દક્ષિણ ગુજરાતમાં પૂર્ણા નદીમાં અમને જોવા મળ્યો હતો.જેનો ફોટો લેવામાં પણ અમારી ટીમને સફળતા મળી હતી.એ પછી તાજેતરમાં બે મહિના પહેલા હાંસોટ તાલુકાના એક વેટલેન્ડમાં ચાર જળબિલાડી જોવા મળી છે.

અમારા માટે પણ આ સુખદ આશ્ચર્ય છે.કારણકે હાંસોટમાં તેનુ અસ્તિત્વ હશે તેવુ અમે પણ કલ્પ્યુ ન હતુ. જળબિલાડી અત્યંત શરમાળ અને નિશાચર પ્રાણી છે.જેના કારણે દિવસે તે ભાગ્યે જ દેખવા મળે છે. તેઓ કહે છે કે  અત્યાર સુધીમાં અમે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લીધુ છે.આગામી કેટલાક મહિનાઓમાં આ સર્વે પુરો થાય તે પછી જળબિલાડીની સંખ્યાનો ચોક્કસ એંકડા જાણવા મળી શકશે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો