શુક્રવાર, 9 જૂન, 2017

આજે રથયાત્રા પૂર્વે જગન્નાથજીની પારંપરિક જળયાત્રા યોજાશે...



અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રથયાત્રા પૂર્વે આજે જગન્નાથજીની પારંપરિક જળયાત્રા યોજાશે. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે. ૨૫ જૂન-રવિવારના દિવસે યોજાનારી રથયાત્રા દરમિયાન ભગવાન મોસાળેથી પરત ફરશે.



માહિતી અનુસાર રથયાત્રાની અત્યંત મહત્વપૂર્ણ ઉત્સવવિધી 'જળયાત્રા' શુક્રવારે જેઠ સુદ પૂનમ છે ત્યારે સવારે ૮ વાગ્યે જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન કરવા વરઘોડારૂપે પહોંચશે. ગંગાપૂજન કર્યા બાદ ત્યાંથી ૧૦૮ કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. ત્યારબાદ તે જળથી મહાભિષેક કરી શોડષોપચાર પૂજન વિધી કરાશે. આ પછી ભગવાન જગન્નાથને ગજવેશથી શણગારીને મોસાળ મોકલાશે.


ઉનાળાની સમાપ્તિ અને ચોમાસાના પ્રારંભનો સમયગાળો છે. જેથી ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરવામાં આવે છે કે ઇન્દ્રદેવ સારો વરસાદ આપે, જેથી પ્રજા પાસે ધન-ધાન્ય ભરપૂર રહે. ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભક્તોમાં અનેરો આનંદ છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો