મંગળવાર, 19 નવેમ્બર, 2019


દસકા બાદ સુપ્રીમની કોલેજિયમમાં મહિલા જજ સભ્ય બન્યા


- ગોગોઇ નિવૃત થતા સભ્ય પદ ખાલી પડયું હતું

- તામિલનાડુના ન્યાયાધીશ ભાનુમતી જુલાઇ 2020 સુધી કોલેજિયમના સભ્ય રહેશે

Image result for become-a-female-judge-member-in-supremes-collegium
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની કોલેજિયમમાં હવે ન્યાયાધીશ આર. ભાનુમતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ પદેથી રંજન ગોગોઇ નિવૃત થયા છે જેને પગલે તેઓએ કોલેજિયમના સભ્ય પદને પણ છોડી દીધુ છે. જેને પગલે પાંચ સભ્યોમાંથી એક જગ્યા ખાલી પડી હોવાથી આર. ભાનુમતીને પસંદ કરવામાં આવ્યા છે. 
નોંધનીય છે કે 13 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટની કોલેજિયમમાં પહેલી વખત મહિલા જજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા 2006માં ન્યાયાધીશ રૂમા પાલ ત્રણ વર્ષ સુધી કોલેજિયમના સભ્ય રહ્યા હતા, જેમના નિવૃત થયા બાદ કોઇ મહિલા જજ આ પદ પર નથી રહ્યું. 
તામિલનાડુના રહેવાસી ભાનુમતિ હાલ સુપ્રીમ કોર્ટમાં જે સૌથી વરીષ્ઠ પાંચ જજો છે તેમાં સામેલ થતા હોવાથી તેમને આ કોલેજિયમના સભ્ય બનાવવામાં આવ્યા છે. એટલે કે મુખ્ય ન્યાયાધીશ બોબડે સહીત અન્ય ચાર સૌથી વરીષ્ઠ જજો પણ કોલેજિયમમાં સભ્ય પદે છે.
બોબડે અને ભાનુમતી બાદ અન્ય ત્રણ જજોમાં ન્યાયાધીશ એનવી રમન્ના, ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને આરએફ નરીમનનો સમાવેશ થાય છે. ભાનુમતી 2020માં જુલાઇ મહિનામાં નિવૃત થશે, જોકે ત્યાં સુધી તેઓ કોલેજિયમના સભ્ય રહેશે. કોલેજિયમ સામાન્ય રીતે જજોની પસંદગીથી લઇને કોર્ટના અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટેની એક સ્વતંત્ર બંધારણીય બોડી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો