સોમવાર, 5 ફેબ્રુઆરી, 2018


મુંબઈ એરપોર્ટ પર ૨૪ કલાકમાં ૯૮૦ ફ્લાઈટ : જૂનો વિક્રમ તૂટયો


- વિશ્વનું સૌથી વધુ વ્યસ્ત સિંગલ રન વે એરપોર્ટ
- અગાઉ ડિસેમ્બરની છઠ્ઠીએ ૯૭૪ ફ્લાઈટનું હેન્ડલિંગ કરીને વિક્રમ સર્જેલો

દુનિયાના એક જ રનવે ધરાવતા એરપોર્ટમાં  સૌથી વધુ વ્યસ્ત વિમાનમથક ગણાતા મુંબઈ એરપોર્ટે પોતાનો જ એક વિક્રમ તોડયો હતો. ગઈ ૨૦મી જાન્યુઆરીએ ચોવીસ કલાકમાં આ  એરપોર્ટ ઉપર ૯૮૦ વિમાનોએ ઉતારણ કર્યું હતું. આ અગાઉ ૬ ડિસેમ્બર ૨૦૧૭માં ચોવીસ કલાકમાં ૯૭૪ વિમાનોએ અને ત્યાર પહેલાં ૨૪ નવેમ્બર ૨૦૧૭માં ૯૬૯ વિમાનોએ ઉતરાણ કર્યું હતું.

મુંબઈની ગણના ભારતના બીજા ક્રમાંકના  મોટામાં મોટા એરપોર્ટ તરીકે થાય છે.

આમ છતાં એક જ રનવે ધરાવતા સૌથી સક્ષમ વિમાનમથક તરીકેની ગણના યુ.કે. (યુનાઈટેડ કિંગડમ)ના ગેટવિક એરપોર્ટની થાય છે. જોકે જાણકારોના મત મુજબ મુંબઈમાં જગ્યાની ખેંચ અને બીજી અનેક અડચણો વચ્ચે જે રીતે વિમાનોની અવરજવરની કામગીરી સંભાળવામાં આવે છે એ ખરેખર પ્રશંસ નીય છે.

બ્રિટનનું ગેરવિક એરપોર્ટ વિશ્વમાં સૌથી વધુ ફ્લાઈટ હેન્ડલિંગ કરતું હોવાનું મનાય છે પરંતુ ગેટવિક અને મુંબઈ એરપોર્ટની સુવિધામાં ઘણું અંતર છે. ગેટવિક પિકઅવર્સ દરમિયાન માત્ર ૫૫ ફ્લાઈટનું હેન્ડલિંગ કરે છે જ્યારે મુંબઈ સવારે ૬થી ૭-૫૦ અને બપોરે ૧૦થી ૧-૪૦વચ્ચે સરેરાશ ૪૭ ફ્લાઈટ હેન્ડલ કરે છે. મુંબઈનું રેગ્યુલેટરી માળખુ, માનવબળ વિગેરેની સરખામણી કરતાં મુંબઈને ગેટવિક કરતાં વધુ સક્ષમ ગણવું જોઈએ તેમ જાણકારો કહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો