બુધવાર, 7 નવેમ્બર, 2018

ઇરાનમાં છાબહાર પોર્ટના વિકાસ માટે અમેરિકાએ ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ આપી

 

-     ભારતને મળેલી છૂટમાં છાબહાર પોર્ટને અફઘાનિસ્તાન સાથે જોડતી રેલવે લાઇન પણ સામેલ

-     ચાબહાર પોર્ટ યુદ્ધનો સામનો કરી ચૂકેલા અફઘાનિસ્તાન માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે : અમેરિકા

 
અમેરિકાએ ઇરાનમાં મહત્ત્વપૂર્ણ ગણાતા ચાબહાર પોર્ટના વિકાસ માટે ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. ભારતને મળેલી છૂટમાં છાબહાર પોર્ટને અફઘાનિસ્તાન સાથે જોડતી રેલવે લાઇન પણ સામેલ છે. 
ઉલ્લેખનીય છે કે આ નિર્ણયના એક દિવસ અગાઉ જ અમેરિકાએ ઇરાન પર આકરા પ્રતિબંધોનો અમલ શરૃ કરી દીધો છે અને તેઓ આ પ્રતિબંધો કડક અમલ કરાવવા ઉત્સુક છે. 
ભારતને મળેલી આ છૂટછાટને ઓમાનની ખાડીમાં પોર્ટના વિકાસમાં ભારતની ભૂમિકાને અમેરિકાની માન્યતાના સ્વરૃપે જોવામાં આવી રહ્યું છે. 
ચાબહાર પોર્ટ યુદ્ધનો સામનો કરી ચૂકેલા અફઘાનિસ્તાન માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર ખૂબ જ વિચારણાના અંતે વિદેશ પ્રધાને છાબહાર પોર્ટના વિકાસ, અફઘાનિસ્તાનમાં ઉપયોગમાં આવનાર રેલવે લાઇનના નિર્માણની સાથે ઇરાનના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતથી ઇરાન ફ્રીડમ એન્ડા કાઉન્ટર પ્રોલિફરેશન એક્ટ, ૨૦૧૨ હેઠળ ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ આપી છે. 
અમેરિકાએ પાંચ નવેમ્બરે ઇરાનની વર્તણૂકમાં ફેરફાર લાવવા માટે ઇરાન પર અત્યાર સુધીના સૌથી આકરા પ્રતિબંધો અમલમાં મૂક્યા છે.
વિશ્વના જે દેશો અને કંપનીઓ ઇરાન સાથે વેપાર કરશે તેમના પર અમેરિકા કડક પ્રતિબંધો મૂકશે. જેમાં ઓઇલની આયાત પણ સામેલ છે. 
જો કે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ભારત, ચીન, ઇટાલી, ગ્રીસ,.જાપાન, દક્ષિણ કોરિયા, તાઇવાન, તૂર્કીને ઇરાનમાંથી ઓઇલ ખરીદવાની છૂટ આપી છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો