શુક્રવાર, 5 ઑક્ટોબર, 2018

અમદાવાદ-રાજપીપળામાં ગીરના સિંહો માટે સફારી પાર્ક બનાવાશે


 
રાજપીપળા ખાતે તૈયાર થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક તેમજ અમદાવાદમાં લાયન સફારી પાર્ક ઊભું કરાશે. સાથે ગીરની પૂર્વમાં આવેલા બરડા વિસ્તાર તરફ સિંહો સ્થળાંતર કરી રહ્યા હોવાથી તેઓના વસવાટ અને સલામતિ માટે અમરેલીના બરડા વિસ્તારની માનવવસ્તીને અન્યત્ર ખસેડવા તજવીજ શરુ કરાઇ છે એમ વાપીમાં વન્યપ્રાણી સુરક્ષા સપ્તાહ કાર્યક્રમ દરમિયાન રાજ્યના વનમંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું. 
ગુજરાતના અભિમાન એવા ૨૩ જેટલા એશિયાટીક સિંહોના થયેલા ટપોટપ મોતને પગલે રાજ્ય સરકાર ભીંસમાં આવી ગઈ છે. ૨૩ સિંહો પૈકી ૧૧ સિંહોના મોત કનોઈન ડીસ્ટેમ્પર વાયરસના કારણે થયા હોવાનું બહાર આવ્યું છે. વનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં સિંહોની સંખ્યા ૫૧૩ હતી જે હાલમાં ૬૦૦ના આંકને પાર કરી ગઇ છે. જેથી તેમના વસવાટ માટે સરકારે અન્ય વિકલ્પ સોધ્યા છે. 
જે મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક રાજપીપળા ખાતે અને અમદાવાદ ખાતે નવા લાયન સફારી પાર્ક બનાવાશે. ઇનફાઇટના વધતા કિસ્સા નિવારવા સિંહોને રાજપીપળા અને અમદાવાદમાં સ્થાયી કરવાની વિચારણા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી સિંહોનું પૂર્વ દિશામાં આવેલા બરડા વિસ્તાર તરફ સ્થળાંતર વધ્યું હોવાથી તેઓને ત્યાં સ્થાયી કરવાનું પણ આયોજન છે. જે માટે બરડામાં માનવવસ્તીને અન્યત્ર ખસેડવા પણ વિચારણા ચાલી રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો