મંગળવાર, 3 ઑક્ટોબર, 2017

ડિજિટલ મશીનના સંદર્ભમાં સૌથી પહેલીવાર 'કમ્પ્યુટર' શબ્દ 70 વર્ષ પહેલા વપરાયો હતો



કમ્પ્યુટર એટલે કે હવે તો બધુ કામ કરી શકતું મશિન. ઈલેક્ટ્રોનિક ડિજિટલ મશિન તરીકે કમ્પ્યુટર શબ્દનો સૌથી પહેલો ઉપયોગ 1947ના ઑક્ટૉબર માસમાં એટલે કે 70 વર્ષ પહેલા થયો હતો.

કમ્પ્યુટર જગતમાં મોખરાનું સ્થાન ધરાવતી કોઈ કંપનીઓએ નહીં, પરંતુ એક બ્રિટિશ રેસ્ટોરાં ચેઈન ધરાવતી કંપની 'જે. લાયન્સ એન્ડ કું'એ કમ્પ્યુટર શબ્દને ચલણી બનાવ્યો હતો. આ કંપનીના ડિરેક્ટરોએ આધુનિક મશીનનો મોટાપાયે પ્રચાર થાય અને તેનું ઉત્પાદન વધે એ માટે ઝૂંબેશ શરૃ કરી હતી. ત્યારે જ આ શબ્દ વધારે વપરાતો થયો હતો.

કમ્પ્યુટર શબ્દ મૂળ તો ગણતરી માટે વપરાય છે. આજે કમ્પ્યુટર એટલે ચોક્કસ પ્રકારનું મશીન એવી વ્યાખ્યા સૌના મનમાં ફીટ છે. પણ જ્યારે મશીન ન હતા, ત્યારે પણ આ શબ્દ હતો. ચાર સદી પહેલા ઈસવીસન 1613માં સૌ પ્રથમ વખત ગણતરી કરી શકતા વ્યક્તિ માટે કમ્પ્યુટર શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો. મૂળ એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે.

19મી સદીમાં મશીનયુગ શરૃ થયો ત્યાં સુધી કમ્પ્યુટરની એ જ વ્યાખ્યા પ્રચલિત રહી હતી. અત્યારે કમ્પ્યુટરની સામાન્ય એવી વ્યાખ્યા છે કે માહિતી સ્વીકારી શકે, આપી શકે, ગણતરી કરી શકે, ચોક્કસ કમાન્ડનું પાલન કરી શકે એવું યંત્ર.

1822માં સૌ પ્રથમવાર ગણતરી શકે એવુ યંત્ર એટલે કે કમ્પ્યુટર ચાર્લ્સ બેબેજે તૈયાર કર્યું હતું. પરંતુ આધુનિક કમ્પ્યુટીકરણની શરૃઆત 1946થી થઈ ગણાય છે. પ્રથમ કમ્પ્યુટર 'એનિઆક' 1946ની 15મી ફેબ્રુઆરીએ ખુલ્લું મુકાયુ હતુ. માટે પછીથી કમ્પ્યુટર શબ્દ પણ પ્રચલિત બન્યો હતો.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો