ગુરુવાર, 6 જુલાઈ, 2017

ડો. દોલતસિંહ કોઠારી : સૂર્ય-ચંદ્ર અને તારામંડળની ગતિ અંગે સંશોધન કરનારા વિજ્ઞાની...





અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વમાં ભારતની નોંધ કરાવનારા વિજ્ઞાની એટલે ડો. દોલતસિંહ કોઠારી. તેઓએ તારામંડળ, સૂર્ય-ચંદ્રની ગતિ અને પરમાણુઓના સંદર્ભમાં સંશોધન કર્યું હતું. ડો. દોલતસિંહ કોઠારીનો આજે જન્મદિવસ છે ત્યારે ભારતના આ અગ્રણી વિજ્ઞાની વિશેની થોડી માહિતી.

 * ડો. દોલતસિંહ કોઠારીનો જન્મ રાજસ્થાનના ઉદયપુરમાં ૭ જુલાઈ, ૧૯૦૬માં થયો હતો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અલાહાબાદમાં મેળવ્યું હતું.

* તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ડોક્ટરેટ કર્યા પછી તેઓ સંશોધનકાર્યમાં જોડાઈ ગયા હતા.

* તેમણે 'દબાણ આયનીકરણ'નો સિદ્ધાંત આપ્યો હતો. આ સિદ્ધાંત મુજબ તેમણે એવુ સાબિત કર્યું હતું કે કોઈ પણ તત્ત્વને દબાણ કે ગરમી આપ્યા વગર પણ એના પરમાણુનું વિભાજન કરી શકાય છે.  ભારત સરકારે ૧૯૪૮માં તેમને પ્રતિરક્ષા વિજ્ઞાન સંગઠનના ડિરેક્ટર તરીકે નિમ્યા હતા. તેમણે આશરે દોઢેક દશકા સુધી આ પદ શોભાવ્યું હતું.

* તેઓ પ્રાદેશિક ભાષાના પુરસ્કર્તા હતા. તેઓ માનતા કે ભારતે સંશોધનને લગતાં પુસ્તકો સરળ હિન્દી ભાષામાં ઉપલબ્ધ બનાવવાં જોઈએ. જેથી વધુમાં વધુ લોકો એને સમજી શકે અને વિચારી શકે.

* તેઓએ દિલ્હી યુનિવર્સિટીમાં આશરે ૨૨ વર્ષ સુધી કામગીરી કરી હતી. તે દરમિયાન ભૌતિક વિજ્ઞાનનાં સંશોધનો પાછળ તેમણે મહામૂલું યોગદાન આપ્યું હતું. આ સિવાય તેઓ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના ચેરમેન પણ રહ્યા હતા.

* તેઓ ૧૯૭૩માં ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના પ્રમુખ બન્યા હતા. આ ઉપરાંત તેઓ દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ પણ રહ્યા હતા.


* ૪ ફેબ્રુઆરી, ૧૯૯૩ના રોજ તેમનું નિધન થયું ત્યાં સુધી તેઓ સંશોધનક્ષેત્રે કાર્યરત રહ્યા હતા. ભારત સરકારે ૧૯૭૩માં તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો